DSC_1542

પરિચય

ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ ગુજરાતમાં શરૂ કરાયેલો પ્રથમ સાહિત્ય ઉત્સવ છે. એક સાહિત્યિક પ્રસંગ તરીકે ત્રણ વર્ષ અગાઉ તેની શરૂઆત થઈ હતી. તેમાં સાહિત્યિક સર્જનાત્મકતા વ્યક્ત કરવા માટે વપરાતાં તમામ સ્વરૂપો અને માધ્યમો આવરી લેવાયાં છે. અમારું દૃઢપણે માનવું છે કે સાહિત્ય માત્ર પ્રકાશિત થયેલાં પુસ્તકનાં બે પૂઠાં વચ્ચે મર્યાદિત નથી હોતું, પરંતુ વાસ્તવમાં મુક્ત વાતાવરણમાં વિવિધ સ્વરૂપો, ભાષાઓ અને માધ્યમોમાં તેનો ઉછેર થાય છે. આથી જ આ ઉત્સવમાં માત્ર લેખકો, કવિઓ અને નાટ્યલેખકોને જ નહીં, પરંતુ તેમની સાથે સાથે ફિલ્મલેખકો, ગીતકારો, બ્લોગર્સ, સોશિયલ મીડિયા પર લખતા લેખકો અને સાહિત્યિક સર્જનાત્મકતાનો ઉપયોગ કરતા અન્ય લોકોને સન્માનિત કરાય છે.

આ એક એવો ઉત્સવ છે, જ્યાં વાર્તાકારો, નવલકથાકારો, કવિઓ, ગઝલકારો, લોક કલાકારો, ફિલ્મલેખકો, ગીતકારો, બ્લોગર્સ, સોશિયલ મીડિયાના ચર્ચાકારો અને તેવા અનેક લોકોને આવરી લેતો વૈચારિક સર્જનાત્મકતા ધરાવતો સમુદાય એકસાથે મળીને પોતાના વિચારો, લેખન, વાંચન અને ફિલસૂફીની એકસાથે મળીને સાહિત્યિક ઉજવણી કરે છે. ભાષાઓનું વૈવિધ્ય અને માધ્યમોની વિવિધતા હોવાથી તે એક અનેરો ઉત્સવ છે. આ ઉત્સવમાં એક જ સ્થળે સુંદર અનુભવ મેળવી શકાય છે.

અમદાવાદમાં યોજાયેલી તેની પ્રથમ ત્રણ આવૃતિને સાહિત્ય રસિકોનો અદ્દભુત પ્રતિસાદ સાંપડ્યો હતો. આ ઉત્સવ અને તેના તમામ સેશન્સમાં તદ્દન વિનામૂલ્યે પ્રવેશ મેળવી શકાય છે. મુક્ત વિચારો હંમેશાં કોઈ પણ સંવેદનશીલ સમાજ અને ગતિશિલ લોકશાહીનો મુખ્ય આધાર હોય છે. આ જ માન્યતા સાથે જીએલએફ સમગ્ર વિશ્વમાંથી શ્રેષ્ઠ વિચારો ધરાવતા લોકોને મુક્ત ચર્ચા, વિચારણા, વાતચીત અને વૈચારિક આદાનપ્રદાન માટે એક મંચ ઉપર એકત્ર કરે છે.

અમારા વિશે

સાહિત્યિક ક્ષેત્રે જ્યાં ઠેરઠેર દંભ અથવા દેખાડો જોવા મળતો હોય છે ત્યારે અમે સાહિત્ય ક્ષેત્રે અનેરો ઉત્સાહ ધરાવતી વ્યક્તિઓનો સમૂહ છીએ. અમારી જુદી જુદી ક્ષમતાઓના ઉપયોગ થકી એક સ્થાયી સાહિત્યિક અવસરનું નિર્માણ કરવાનો વિચાર તથા સાહિત્યિક પ્રવૃત્તિઓ પ્રત્યેનો પ્રેમ અમને એક છત હેઠળ લઈ આવ્યો છે. વાંચનનો પ્રેમ અને સાહિત્ય પ્રત્યેની કદર જીએલએફનું આયોજન કરવા માટે અમને પ્રેરણા પૂરી પાડે છે. ઉપરાંત અમે યુવા લેખકો અને વાચકોની સર્જનાત્મકતા વિકસાવવા એક મંચ પૂરો પાડીને આ સફરનો ભરપૂર આનંદ ઉઠાવીએ છીએ.

photo

શ્યામ પારેખ

પત્રકાર

શ્યામ પારેખ અંગ્રેજી પ્રિન્ટ માધ્યમમાં લેખન અને સંપાદનનો બે દાયકાથી વધુ સમયનો બહોળો અનુભવ ધરાવતા વરિષ્ઠ પત્રકાર છે. ‘ડીએનએ’ની અમદાવાદ આવૃતિના અમદાવાદમાં લોન્ચિંગના સમયથી જ તે તેના નિવાસી તંત્રી છે. તે ‘ટાઇમ્સ ઓફ ઇન્ડિયા’માં પર્યાવરણ વિષયક અને આપત્તિ સમયના રિપોર્ટિંગમાં નિપૂણતા ઉપરાંત વિસ્તૃત ચૂંટણી કવરેજનો એક દાયકાનો વ્યાપક અનુભવ ધરાવે છે. તેઓ સાહિત્યના વિદ્યાર્થી છે અને વિશ્વ અંગે જાણકારી મેળવવા ગજબનો જુસ્સો ધરાવે છે. તેઓ અવકાશ, વિજ્ઞાન, ટેક્નોલોજી, કુદરત અને પર્યાવરણ અંગે સમજ મેળવવા માટે ખૂબ જ ઊંડો રસ ધરાવે છે. આકાશની ઉપર હોય કે આકાશની નીચે, હંમેશાં તેના વિશે વાતો કરતા રહેવી તે તેમની નબળાઈ છે. શ્યામ વર્ષોથી ગુજરાતમાં લિટરેચર ફેસ્ટિવલ યોજવાનું સ્વપ્ન સેવતા હતા, જેને વર્ષ 2013માં જીવંત સ્વરૂપ પ્રાપ્ત થયું. તે જીએલએફના ડિરેક્ટર છે.

photo

જુમાના શાહ

પત્રકાર

કારકિર્દી પત્રકાર જુમાના ‘ડેઇલી ન્યૂઝ એન્ડ એનાલિસિસ’ (ડીએનએ), અમદાવાદનાં એક્ઝિક્યુટિવ એડિટર છે. તેમણે ‘ટાઇમ્સ ઓફ ઇન્ડિયા’ અને ‘ગુજરાત સમાચાર’માં પણ કામ કર્યું છે અને છેલ્લા એક દાયકા દરમિયાન અનેક આંતરરાષ્ટ્રીય પ્રકાશનો માટે લખ્યું છે. દેશમાં પર્યાવરણીય અને વન્યજીવન સંબંધિત બાબતો અંગે જુમાનાનાં વિસ્તારપૂર્વક લખાણના કારણે પર્યાવરણ માટે હાનિકારક કેટલાક પ્રોજેક્ટ્સને પડતા મૂકવામાં આવ્યા હતા. તેમણે 2005થી ગુજરાત રાજ્યમાં રાજકીય સંવાદદાતા તરીકે પણ કામગીરી બજાવી છે. તેમની કામગીરીમાં વ્યાપક રાજકીય વિશ્લેષણ અને ‘ડીએનએ’માં લેખનો પણ સમાવેશ થાય છે. મુસાફરી અને સાહસિક રમતોનો શોખ ધરાવતાં જુમાના સ્કૂબા ડાઇવર પણ છે અને સમુદ્રી પર્યાવરણના સંરક્ષણનાં અખબારી હિમાયતી છે. જુમાના જીએલએફ માટે બિનગુજરાતી કાર્યક્રમોમાં એન્કરિંગની કામગીરી સંભાળે છે.

photo

સમકિત શાહ

ઉદ્યોગ સાહસિક અને સાહિત્ય રસિક

સમકિત પ્રથમ પેઢીના ઉદ્યોગ સાહસિક છે, જે જીએલએફને નવીનતમ સ્વરૂપમાં રજૂ કરવાની આંતરિક જિજ્ઞાસા દ્વારા તેના અંગે પ્રેરણા મેળવે છે. તે 57થી વધારે ભાષાઓમાં બહુવિધ ભાષા સંબંધિત સેવાઓ પૂરી પાડતી કંપની ‘લિન્ગ્વિસ્ટિક’ના સીઈઓ છે. શહેરી જીવનની મુશ્કેલીના કારણે એકતરફ જ્યારે લોકોના ચહેરા પરથી હાસ્ય ગાયબ થતું જાય છે ત્યારે વાતાવરણ હળવું બનાવવા તે ક્યારેક સ્ટેન્ડઅપ કોમેડિયન તરીકે મંચ પર જોવા મળે છે. નવો પ્રવાસ ખેડવા હંમેશાં આતુર અને આશાવાદી અભિગમ ધરાવતા સમકિત જીએલએફના ડિરેક્ટર પણ છે.