ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ (GLF), સિઝન – 4

 • 14 થી 18 ડિસેમ્બર – પાંચ દિવસનો સાહિત્ય અને મોજનો જલસો
 • પાંચ દિવસમાં 80થી વધુ કાર્યક્રમો
 • વિવિધ ભાષાના 200 જેટલા સ્થાનિક, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય લેખકો, વિશેષજ્ઞો અને કલાકારો
 • જીએલએફ સિઝન-4ના કેન્દ્રસ્થાને છે ‘હાસ્ય’ લેખન
 • લેખિકા અને જયપુર લિટરેચર ફેસ્ટિવલનાં ડિરેક્ટર નમિતા ગોખલે, સ્વીડનના લેખક ઝેક ઓ’ યે, અશ્વિન સાંઘી, સ્ક્રીનરાઇટર્સ એસોસિયેશનના સ્થાપક અંજુમ રજબઅલી

અમદાવાદ

ગુજરાતના સૌપ્રથમ અને હવે રાજ્યની સૌથી મોટી સાહિત્યિક ઘટના ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ (જીએલએફ) તેની ચોથી સિઝન સાથે હાજર છે. વૈવિધ્યપૂર્ણ કાર્યક્રમો અને વિશ્વમાંથી લેખકો, કવિઓ, કલાકારો અને વિશેષજ્ઞો સાથે આ વર્ષનો જીએલએફ ગુજરાતનો સૌથી વિચારોત્તેજક કાર્યક્રમ બની રહશે.

જીએલએફ એ ભાષાના દૃષ્ટિકોણથી તટસ્થ કાર્યક્રમ છે અને તેમાં ગુજરાતી, અંગ્રેજી, હિન્દી, અને ઉર્દૂ ભાષામાં સેશન્સ થશે. રાજ્યમાં થતા તમામ સાહિત્યિક કાર્યક્રમોમાં જીએલએફ તેની આગવી ફિલસૂફીને કારણે અલગ તરી આવે છે. આ કાર્યક્રમમાં ગુજરાતી ભાષાના વ્યાપ અને ગુજરાતી સાહિત્યમાં નવોદિત પ્રતિભાશાળી લેખકો, કવિઓને મંચ અને પ્રોત્સાહન આપવા ઉપરાંત અન્ય ભાષાઓને પણ પૂરતું સ્થાન અપાય છે.

આ વર્ષે જીએલએફની શરૂઆતના પહેલા બે દિવસ સાહિત્યિક પ્રવૃત્તિઓનું આયોજન છે. સાબરમતી આશ્રમ અને જીએલએફ સાથે મળીને આ વર્ષનો સૌપ્રથમ કાર્યક્રમ સાબરમતીના કિનારે ગાંધી આશ્રમમાં 14 ડિસેમ્બર, 2016ના રોજ જાણીતાં શાસ્ત્રીય સંગીત અને ઠુમરી ગાયિકા વિદ્યા રાવની સંગીત સભા યોજાશે. તેઓ ગાંધી બાપુનાં પ્રિય ભજનો અને અન્ય ગીતોની રજૂઆત કરશે.

ગુરુવાર, 15 ડિસેમ્બરે કાર્યક્રમનાં સ્થળ કનોરિયા સેન્ટર ફોર આર્ટ્સ અને સેપ્ટ કેમ્પસમાં આખો દિવસ અને આગામી પાંચ દિવસ દરમિયાન વિવિધ પ્રકારના 10 વર્કશોપ્સનું આયોજન થશે.

શુક્રવાર, 16 ડિસેમ્બરે જીએલએફનો આરંભ ગુજરાતના રાજ્યપાલ શ્રી ઓ. પી. કોહલીજી દ્વારા થશે. ઉદ્ ઘાટન કાર્યક્રમની શરૂઆત સવારે 9.30 અને કાર્યક્રમના સ્થળે રજિસ્ટ્રેશનની શરૂઆત સવારે 8.30 વાગ્યાથી થશે.

સાહિત્ય માત્ર પુસ્તકનાં બે પૂંઠાં વચ્ચે જ સીમિત નથી એ ફિલસૂફી સાથે જીએલએફમાં અભિવ્યક્તિનાં વિવિધ સ્વરૂપો જેવાં કે સ્ટોરી ટેલિંગ (વાર્તા કથન), થિયેટર, ફિલ્મોની પટકથા, ડોક્યુમેન્ટરી ફિલ્મ્સ, સંગીત, પત્રકારત્વ, સોશિયલ મીડિયા તથા મૌખિક પરંપરા આ તમામ એક મંચ પર ભેગાં થશે. આ ત્રણ દિવસોમાં થશે મુક્તમને ચર્ચાઓ, વિચારો અને મિત્રો સાથે મોજ.

જીએલએફના ફેસ્ટિવલ ડિરેક્ટર સમકિત શાહ કહે છે, “આ વર્ષના જીએલએફમાં કેન્દ્રસ્થાને ગંભીરતાપૂર્વક હાસ્યને મૂકી રહ્યા છીએ, કારણ કે આપણે રોજિંદા જીવનમાં હાસ્યનું મહત્ત્વ સમજવું જોઈએ અને બીજા કોઈને બદલે આપણી જાત પર હસવાની ક્ષમતા કેળવવી જોઈએ.” તેઓ એમ પણ કહે છે કે, કટાક્ષયુક્ત રમૂજી અને બૌદ્ધિક ઊંચાઈ ધરાવતું હાસ્ય હવે ભૂંસાઈ રહ્યું છે. હાસ્ય, વિનોદ, વ્યંગ, કટાક્ષ જનસમૂહોમાં વિચારોત્તેજક સંવાદનું એક અસરકારક સાધન છે. ગુજરાતના અને વિશ્વના ખૂણે ખૂણેથી હાસ્ય લેખકો, કલાકારો, કાર્ટૂનિસ્ટ્સ, સ્ટેન્ડઅપ કોમેડીઅન્સ, જીએલએફમાં તેમની કળા અને કસબના માધ્યમથી આ વાતનું મહત્ત્વ સમજાવશે. તેઓ નિખાલસતાથી આપણા સમાજના વિવિધ પ્રશ્નોની ચર્ચા કરશે અને તે ઓડિયન્સ માટે મનોરંજક અનુભવ બની રહેશે.

જાન્યુઆરી-2016માં જીએલએફની ત્રીજી આવૃત્તિના કેન્દ્રસ્થાને ‘ફિલ્મ એ નવું સાહિત્ય છે’ વિષય હતો, જેને યુવાનો તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો. આ વર્ષે જીએલએફએ સ્ક્રીનરાઇટર્સ એસોસિયેશન (જે પહેલાં ફિલ્મ રાઇટર્સ એસોસિયેશન તરીકે જાણીતું હતું) સાથે ઔપચારિક રીતે જોડાણ કરી લીધું છે. આ જોડાણના ભાગરૂપે જીએલએફ એક વિશેષ માસ્ટરક્લાસ અને ફેસ્ટિવલના ત્રણ દિવસ દરમિયાન ચાર સેશન્સનું આયોજન કરશે.

હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સ્ક્રિપ્ટ રાઇટિંગથી તાજેતરની મુખ્યધારાની ફિલ્મોમાં નોંધપાત્ર પ્રદાન કરનારા કેટલાક મેઘાવી પ્રતિભાશાળી સિતારા પણ જીએલએફમાં આવશે. તેઓ બોલિવૂડમાં તેમની સર્જનાત્મકતાની સફર વિશે અમદાવાદમાં સૌપ્રથમ વખત વાતચીત કરશે.
જીએલએફ એ આજના યુવાનોમાં મુક્ત વિચારો, વિચારધારા અને સર્જનાત્મકતાને ઉત્તેજન આપવા માટેનો કુંભમેળો છે. આ ફેસ્ટિવલમાં પ્રવેશ સંપૂર્ણપણે નિઃશુલ્ક છે, કારણ કે આ કાર્યક્રમમાં થનારા ખર્ચમાં અમારા અમૂલ્ય સ્પોન્સર્સનો બહુમૂલ્ય ફાળો છે.

જીએલએફનાં આકર્ષણો

 • ગાંધીજી રંગભેદ અને વર્ણભેદની નીતિના સમર્થક હતા? કે ગાંધીજીએ સરદારને અન્યાય કર્યો હતો? આ વિવાદાસ્પદ મુદ્દાઓની બિનધાસ્ત ચર્ચા ગાંધી અને સરદારને સમજનારા વિશેષજ્ઞો કરશે.
 • જીએલએફમાં સૌપ્રથમ વખત કેદીઓનું કવિ સમ્મેલનઃસાબરમતી જેલના કેદીઓએ ઘણી બધી કવિતાઓ અને ગઝલો મારફતે તેમની લાગણીઓ અભિવ્યક્ત કરી છે. આ કવિઓ સૌપ્રથમ વખત જીએલએફના મંચ પરથી તેમની કવિતાઓનું પઠન કરશે.
 • બોલિવૂડની મુખ્યધારાની ફિલ્મોમાં મહિલાઓનું ચિત્રણ અને જાતિગત સમીકરણો ઉકેલવાની ગડમથલ કરશે તાજેતરમાં જ પ્રદર્શિત થયેલી ફિલ્મ ‘પિંક’ના સ્ક્રિપ્ટ રાઇટર રિતેશ શાહ અને અન્ય જાણીતા સ્ક્રિપ્ટ રાઇટર્સ.
 • કોઈ નાટકનું પ્રીમિયર સાહિત્યિક કાર્યક્રમમાં થાય તેવું આ જીએલએફમાં પ્રથમ વખત થશે. પોતાની અલગ શૈલીથી નાટકની કથાને મંચ પર જીવંત બનાવનારાં નાટ્યકાર અદિતિ દેસાઈના નવા નાટક ‘ધાડ’નું પ્રીમિયર 18 ડિસેમ્બરે ઠાકોરભાઈ દેસાઈ હોલમાં જીએલએફના સહયોગથી યોજાશે.
 • નાટકના પ્રીમિયર ઉપરાંત મનોજ જોષીના આગામી નાટક ‘અડપોદરાથી અમેરિકા’નું ટ્રેલર પણ સૌપ્રથમ વખત જીએલએફમાં જ યોજાશે.
 • બોલિવૂડના ગીતકાર ઇર્શાદ કામિલના બેન્ડ વાહ્ઝ દ્વારા તેમનાં સુંદર કાવ્યોની સંગીતમય રજૂઆત કરશે.
 • 17મી સદીના અમદાવાદના અનોખા કવિ અખા ભગતના છપ્પાની રોક સ્ટાઇલમાં રજૂઆત કરશે ચિંતન નાયક અને સાથીઓ.
 • અંગ્રેજી ભાષામાં સૌથી વધુ વંચાતા ભારતીય લેખકોમાંથી એક અશ્વિન સાંઘી, શહેરનાં લેખિકા રક્ષા ભારડિયા સાથે તેમની સર્જન યાત્રાની સફરના સાથી બનશે.
 • જયપુર લિટરેચર ફેસ્ટિવલ (જેએલએફ)નાં સ્થાપક અને લેખિકા નમિતા ગોખલે તેમની નવી નવલકથા ‘થિંગ્સ ટુ લીવ બિહાઇન્ડ’ વિશે જીએલએફમાં વાત કરશે.
 • ગુજરાત રાજ્યમાં સૌપ્રથમ વખત તામિલ નાડુથી આવનારા અનોખા ગુજરાતીઓ ત્યાં બોલાતી 1000 વર્ષ જૂની ગુજરાતી ભાષા – સોરાષ્ટ્રી વિશે વાત કરશે.
 • ગુજરાતી ભાષાના વાચકોનાં હૃદય પર પોતાની કવિતા અને ગીતોથી રાજ કરનારા છ અક્ષરનાં નામ – કવિ રમેશ પારેખની રચનાઓનું અંગ્રેજીમાં અનુવાદ કરવા માટેનો એક વર્કશોપ જીએલએફમાં યોજાશે, જેમાં અનુવાદિત થયેલી રચનાઓનું પુસ્તક પણ પ્રકાશિત થશે.
 • પ્રતિભાશાળી લેખકો અને કવિઓ માટેના પુરસ્કારોની જાહેરાત પણ જીએલએફમાં થશે.

.